ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- મધૂર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ સતત સાતમી વખત ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. આ સમયે તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં દૂધ ઉત્પાદન મર્યાદિત છે. પરિણામે ઘણી વખત ડેરીને છેક રાજસ્થાનથી દૂધ લાવવું પડે છે. ડેરીનું લક્ષ્ય ખેડૂતોને દૂધનો મહત્તમ ભાવ આપવાનું છે. આ માટે સતત પ્રયાસ કરીશું.
શંકરસિંહ રાણાએ કહ્યું કે સહકારી આગેવાન અને ઇફ્કો તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના સહકારથી દૂધસાગર ડેરી અને અમદાવાદની ઉત્તમ ડેરી સાથે વાટાઘાટો ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું દુધ ઉત્તમ ડેરી દ્વારા અને કલોલ તથા માણસા તાલુકાનું દૂધ મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ભરવામાં આવે છે. આ ત્રણેય તાલુકા ગાંધીનગર જિલ્લામાં હોવાથી ગાંધીનગરની મધૂર ડેરીમાં દૂધ ભરાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. વર્ષ 2003થી સતત ડેરીનું ચેરમેનપદ સંભાળતા રાણાએ કહ્યું કે મધૂર ડેરીમાં અમે પશુપાલકો ઉપરાંત ખેડૂતોને પણ મદદ મળી શકે તે માટે તેમના શાકભાજીનું વેચાણ કરવાની પણ નવી પહેલ કરી છે. જેને ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
દૂધ, મિઠાઇ, મિલ્ક પ્રોડક્ટ અને શાકભાજી સહિતની ચીજવસ્તુઓ શહેરના લોકોને ઘર આંગણે મળી શકે તે માટે દરેક સેક્ટરમાં મૂવેબલ કન્ટેનર ઉભા કરવામાં આવશે. સોમવારે સેક્ટર-30 ખાતે પહેલો સ્ટોલ ખુલ્લો મૂકાયો છે હવે થોડા દિવસોમાં સેક્ટર-6માં પણ શરૂ કરાશે.
